Recent Comments

"બીજાઓથી છાનું-છપનું" એટલે BCC!

Tuesday, October 28, 2008 કાપલીઓ , , , 1 પ્રતિભાવો, આપનો પ્રતિભાવ જણાવવા અહિં Click કરો

ચંદ્રેશકુમાર ઉર્ફે ચંદુનું આ વર્ષ ખૂબ સારું જશે તેવો વર્તારો બધા છાપાંવાળાએ આપ્યો હતો. એના પપ્પાના જીગરી દોસ્તદાર જ્યંતીલાલ જ્યોતિષે તો ધમાકેદાર શરુઆત થશે તેવી બાંહેધરીપૂર્વકની આગાહી કરી હતી! બાજુવાળા બદરીનાથના બાબલાએ બેસતા વર્ષની વહેલી સવારે બારી પાસે સૂતેલા ચંદુના બિલકુલ કાન આગળ લક્ષ્મીછાપ ટેટો ફોડીને એ આગાહી સાચી પાડી હતી! પણ jokes apart, ગતવર્ષાંતે ઘેરાવા લાગેલી શક્યતાઓ જોતાં એ સવારે ટૂટી ગયેલાં રંગીન સપનાંઓ કરતાં પણ સુંદર નવું વર્ષ આગળ આવી રહ્યું છે તેવો ચંદુને વિશ્વાસ હતો.

પહેલી નવરાત્રીએ ચંદુએ તેની પોતાની કંપની "ચંદ્રેશ stationary supplies" ચાલૂ કરી ને બીજા જ દિવસે એના પપ્પાની ઓળખાણથી નરસીસેઠની schoolનો પહેલો મોટો contract મળેલો. થોડા જ દિવસોમાં એટલે કે આઠમની રાત્રે નજીકના "દાંડિયા"માં થી ગલીના નાકે આવેલા shopping centerમાં આવેલા tuition classમાંથી નરસીસેઠની જ schoolની monopoly તોડવા શરુ થઈ રહેલી નવી English medium schoolનો મોટો contact પણ હાથવગો થવાના સંજોગો ઉજળા થયા હતા! તો સાથે સાથે પાંચમે એ જ ગરબામાં  એની ખુશીમાં વધારો થયો. Collegeમાં બે અઠવાડીયા આવીને ગાયબ થઈ ગયેલી ચંદ્રિકા ત્યાં ફરી મળી. ત્યાર પછી દશેરા સુધીમાં તો તેની સાથે mobileનો plan વધારી દેવો પડે એટલી averageના SMSનો વહેવાર ખૂબ જ ચોરી-છૂપી જામી ગયો હતો!

નજીકની એક મોટી school ના ખંધા principalનો નાનો જમાઈ જયકિશન ઉર્ફે જયલો ચંદુનો જૂનો દોસ્તદાર હતો. પણ એ ધંધામાં competition લઈને આવ્યો હતો. ચંદુને પોતાની આવડત અને marketing ની નવી નવી technologyના ઉપયોગ પર જોરદાર ભરોસો હતો. એણે જે market research કરીને માત્ર ત્રણ મહિના જેવા ટૂંકાગાળામાં બોરીવલીના તમામ stationers અને wholesalers ને પોતાના વશમાં કરી લીધા હતાં. એ લોકો પણ mobile (missed-calls પણ વાંચવું) અને internet (એટલે કે email-forwards પણ વાંચવું) વાપરીને ધંધો કરવાની ચંદુની hi-tech નીતિથી પ્રભાવિત હતાં.

પણ આ ખુશનુમા હવામાન ધીમેધીમે વસંતમાથી વાવાઝોડામાં પલટાઈ ગયું! ભાઈબીજના દિવસે ચંદ્રિકાના ભાઈએ ધાકધમકી, ધોલધપાટથી ચાલો કર્યું તે છેલ્લે ચંદુને ધીબી નાખ્યો! લાભ પાંચમે ચંદુના હાથમાંથી એના પહેલા મોટા contractનો મોટો લાભ અવિશ્વાસના મુદ્દે સરકી ગયો કારણકે એમને ક્યાંકથી જાણ થઈ ગઈ હતી કે English School પણ ચંદુ supply કરવાનો છે! અને આજે દેવઊઠી એકાદશીએ તો ધંધાનું ઊઠમણું થઈ જાય તેવી હદ થઈ ગઈ! પેલો જયલો વાયદાનો વૅપાર કરીને તેના બધા ભાવિ ઘરાકોને તફડાવી રહ્યો હતો. ચંદુ એ વિચારતો રહ્યો કે ચંદ્રિકાના ભાઈ ને ખબર કેવી રીતે પડી? નરસીભાઈને કૉણ બાતમી આપી ગયું! અને હજી માંડ બે અઠવાડિયાથી ગામમાં આવેલા જયલાએ કઈ માયાના જોરે એના પેટ ઉપર લાતંલાત ચાલૂ કરી દીધી છે? આ બધામાં પોતાની ક્યાં ભૂલ થઈ? આ બધાનું કિસ્મત connection શું?

ShortCut Cyber Cafeના અંધારા ખોપચામાં બેઠોબેઠો ચંદુ cancel થયેલાં orderના email check કરતાં કરતાં આનું રહસ્ય વિચારતો જ હતો  ત્યાં તેનો જવાબ browserમાં પ્રકટ થયો. ચંદુને પોતાનો લંગોટિયો યાર ગણાવતો અને વાતવાતમાં અડધી રાતે યાદ કરવાનું યાદ કરાવતો રાઘવ ઉર્ફે રઘલો હવે રહી રહીને જાગ્યો હતો. તેણે ચંદુને એક email forward કર્યો હતો. ચંદુએ Browser પર ત્રણ page scroll કર્યા ત્યારે તેનો નાનકડો picture message વાંચવા મળ્યો - એક સરસ મજાનુ ઝગમગ-ઝગમગ થતો દિવો અને આજુબાજું વેરાયેલાં ફૂલ અને નીચે મોઓઓઓટ્ટ્ટા અક્ષરે લખેલું Happy New Year! - પણ ચંદુને interest પડ્યો એ emailના પૂર્વાર્ધમાં. email addressesના સરસ alphabetically sorted list માં એનું ધ્યાન ખેંચી ગયું એક નામ - ચંદ્રિકા! આ રઘલો ચંદ્રિકાને ક્યાંથી ઓળખે? અને ચંદ્રિકાનું એ એકમાત્ર email address હતું. ચંદુએ પોતે શરદપૂનમની રાતે રાસ પત્યા પછી આ જ CyberCafe માં ચંદ્રિકા માત્ર ચંદુ માટે જ વાપરશે એવી ખાતરી લઈને બનાવી આપેલું હતું. પણ એનો જવાબ મળતાં બહુ વાર ના લાગી કારણ કે રઘલો અને પોતે એક જ college માં એક year આગળ પાછળ હતાં. અને એણે પણ ચંદ્રિકામા interest બતાવ્યો હતો. હવે એને રઘલાના અવાજમાં આકાશવાણી જેવું સંભળાવા લાગ્યું: "જો ભાઈ હું કંઈ નવરો નથી તને આમ emails કરવા માટે! આ તો મારી girlfriendને wish કરવા માટે બેઠો હતો તે થયું લાવ એક copy તારા mailbox માં પણ નાખી દઉં! વળી આ to addressના listમાં જોયું હું કેટલાં બધાને ઓળખું છું? આ બધાને એક પછી એક wish કરવા બેસું તો બીજી દિવાળી આવીને ઊભી રહે કે નહિં? તો જલ્સા કર! અને મારા કરતાં વધારે careless હૉય તો તું પણ તારી આખેઆખી address bookને આ email ને એમ ને એમ forward કરી દે અને શાંતિથી મઠિયા ખા!" દાઝે ભરાયેલા ચંદુને સમજાયું કે આજે રઘલાએ એ જ ભૂલ કરી હતી જે તેણે પોતે બેસતા વર્ષના દિવસે કરી હતી - MailAll! એણે એકજ email તેના બધાં સગાંસ્નેહીઓ, ભાઈબંધો અને બહેનપણીઓ,આડોશી-પાડોશીઓ,અજાણ્યાઓ અને ઓળખીતા-પારખિતાઓને અને ધંધા-વ્યવસાયના સંપર્કોને એકસાથે કર્યો હતો માત્ર એક લીટીનો - Happy Diwali and New Year!

ચંદુએ આખું list ફેંદવાનું શરુ કર્યું તો તેને જયલો અને નરસીસેઠ પણ એ email મહેફિલમાં હાજર હતા! ચંદુને બધો તાગ મળવા માંડ્યો. આ રઘલાએ જ ચંદ્રિકા માટેના તેના પ્રેમની ચિનગારીને બુઝાવવા માટે તેના ભાઈની લાહ્યબંબા  સેવાની મદદ લીધી હતી. વળી એ જ ખબરીએ નરસીસેઠ આગળ ચંદુના ધંધાની પોલ ખોલી હતી. અને આ રઘલાને સાધ્યો જયલાએ. આમતો આ બધી પ્રવૃત્તિઓમાં નબળો એવો જયલો રઘલાની મદદથી તેના બધા ભાવિ ઘરાકોને એક એક ને personally મળીને ઓછા ભાવની offer વહેંચવા લાગ્યો હતો. ત્રણ મહિના મહેનત કરીને બનાવેલી એ મજબૂત અને મબલખ Address Book એણે એમ જ એક જ email માં ગામ આખામાં વહેંચી દીધી હતી!

બધાંને રૂ-બ-રૂ મળીને જયશ્રી કૃષ્ણ કહેવાનો યુગ આપણે પાછળ છોડી ચૂક્યાં છીએ, વિદેશી નકલ કરતાં કરતાં વિશાળ મિત્રવૃંદ સમેટીને માત્ર તહેવારે જ વહેવાર હૉય તેવા દૂરદૂરના contacts ને માત્ર એક greetings card મોકલી સંતુષ્ટ થવાના દિવસો પણ મોંઘવારી ભૂતકાળ બનાવી રહી છે ત્યારે emailની ચોવીસકલાક મફત સેવા લેવાનું ચલણ વધે તે દેખીતું છે! એક એક contact ને વીણી-વીણીને અલગ-અલગ personalised "શુભેચ્છાસંદેશ" પહોંચાડવામાંય કષ્ટ પડે તો તે નિવારવા માટે ઘણી email સેવાઓ mail to all જેવાં વિકલ્પો આપે છે અને લોકો તે ભરપૂર વાપરે છે. જો આવો કોઇ વિકલ્પ ન હૉય તો પણ ઢગલાબંધ email એક સાથે મોકલવાની લાલચ રોકી શકાતી નથી તેથી Address Book માં થી બધા address select કરીને પાંચ લીટીનો બિલકૂલ stereotype email "ફેંકી" દેવાની વૃત્તિ પણ વધતી જાય છે. નવા-નિશાળીયાઓ તો આવું કરે તે જાણે સમજ્યા પણ જૂના જોગીઓ પણ આ જ રમત રમે છે.

આવી ટેવ પડવાનું કારણ forewardsના હુલામણા નામે ઓળખાતાં forwarded emails દ્વારા પડી હૉય તેમ હું માનું છું. પણ કદી વિચાર્યું કે એમ કરતાં તમે તમારી આખી Address Book તેમાંના દરેક contact સામે ઉઘાડી મૂકી દો છો? તમારો email મેળવનાર તમે કૉનેકૉને ઓળખો છો  તે મફતમાં જાણતો થઈ જાય છે! અમુક દેશોમાં તો તમે આ રીતે બીજાનાં email address વહેંચતા ફરો એ privacy issue બની જાય છે! માન્યામાં ના આવતું હૉય તો તમારા mailbox ને એક વાર ફરી ખંખેરી જુઓ - સૂપડાંભેર email addresses એવાં મળશે કે તમને થશે - અલ્યા આ ભૈરવ જે ત્રણ વર્ષથી મળ્યો નથી એ Australia જતો રહ્યો? જુઓને yahoo.com.au નું email address બનાવ્યુ છે તે! અને પાછો નામ બદલીને ભૈરવમાંથી Berry થઈ ગયો! બહુ ચાલૂ Item છે!  - શક્ય છે કે તમે એને email કરો અને તમારી જૂની મિત્રતા આ પ્રજાસત્તાકદિન પહેલાં પહેલાં જેવી જ નવપલ્લવિત થઈ જાય! Orkut માં મિત્રોના  મિત્રોનું list ફેંદવા જેવી જ સરળ આ process છે. ફરક બસ એટલો કે emailમાં તમે અજાણતાંમાં આ યાદી વહેંચો છો જ્યારે orkut માં તમારા scrap અને friends list બધા (registered users only) વાંચી શકે છે તે ખબર હૉય છે (કે એ પણ ખબર નથી!).

ચાલો ત્યારે હવે આ "મસલાનો હલ" એટલે કે problemનું solution આપું! એનું નામ છે BCC એટલે કે Blind Carbon Copy. email કરવા માટે એક્માત્ર જરૂરી field છે "TO" એટલે કે recepients કહેતાં સંદેશ મેળવનાર (કે મેળવનારાં). subject અને message ના આપો તો પણ ચાલે. (mailing list unsubscription method યાદ કરો unsubscribe@examplelist.com) પણ એવાં બીજા optional fields છે CC એટલે કે Carbon Copy અને BCC એટલે કે Blind Carbon Copy. CC ત્યારે વપરાય છે જ્યારે તમે જેને email મોકલો છો તેને કહેવા માગો છો કે જો આ વાત મેં ફલાણાભાઈને પણ કહી છે. સરકારી ભાષામાં એ "નકલ રવાના" વાળી વાત છે!
જ્યારે BCC email મેળવનારને ખબર પડી શકતી નથી કે બીજા કેટલાંને આ email મોકલાયો છે એટલે કે એવું ખોટ્ટેખોટ્ટું બોલવાનું કે "આ email મેં માત્ર તને અને તને મોકલ્યો છે બીજા કોઈ ને નહિં" - લગતા હૈ હમ પહેલે કહિં મીલેં હૈં. :)

આ BCC વિશે વધુ જાણવા માટે Wikipedia અને About ના આ લેખો વાંચવા વિનંતી.

શુભ દિવાળી અને નૂતન વર્ષનાં અભિનંદન

1 Response to ""બીજાઓથી છાનું-છપનું" એટલે BCC!"

Post a Comment

આપના પ્રતિભાવોનું હંમેશા સ્વાગત છે , your comments are always welcome.