આ દિવાળીએ ભારતભ્રમણ યોગ હતો. ગામ હિંમતનગર, વતન એકલારા, સાસરી માણસા અને કાઠિયાવાડ યાત્રા-પ્રવાસ થી અઠ્યાવિસ દિવસનુ આયોજન ભરચક હતુ. મારા વતન એકલારાની મુલાકાત દરમિયાન એક ખાસ ઇચ્છા ફળીભૂત થઈ તે સપ્તેશ્વરદાદા ના દર્શન કરવાની. મારા માટે બહુ ધાર્મિક નહી તો પ્રાકૃતિક મહત્વ ધરાવે છે જેની સાથે બાળપણની મબલખ યાદો જોડાયેલ છે. આજે આ તીર્થનો થોડો પરિચય આપતી સંકલિત માહિતી આપું છું. Australiaમાં આવાં કોઈ પૌરાણિક સ્થળો જે બસો વર્ષથી જૂનાં હૉય તેના વિશે ખબર હૉય તો કહેજો!
અમદાવાદથી લગભગ ૧૦૦ કિ.મી.નાં અંતરે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના આરસોડીયા ગામની એકથી બે કિ.મી. ની અંતરે સાબરમતી નદીના પવિત્ર કાંઠા ઉપર કુદરતી સૌંદર્યધામ એવુ સપ્તેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ અત્યંત સુંદર તીર્થ આવેલું છે. ડેભોલ નદી અને સાબરમતી નદીનો સંગમ સર્જતું આ સ્થળ લોકબોલીમાં સાતેરા તરીકે ઓળખાય છે. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઈડર થી ૩ર. કિ.મી અને હિંમતનગરથી ૩૦ કિ.મી. સામે કિનારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામથી ર. કિ.મી અંતરે આ સ્થળ આવેલું છે.
સપ્તેશ્વર નામ પરથીજ ખ્યાલ આવી જાય છે કે શિવલિંગનું સ્થળ છે. અહીં મહાદેવનું મંદિર છે જેમાં શિવલીંગની ઉપર સતત ગૌમુખમાંથી પવિત્ર પાણીની સપ્તધારાઓ નિરંતર વહ્યા કરે છે અને કુદરતી રીતે શિવલિંગનું પ્રક્ષાલન કરે છે. આ ધારાઓ ક્યાંથી આવે છે એ કોઈ નેય ખબર નથી. જળાધારીનુ આ પાણી વહીને બહારના એક કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોય તો પણ પાણીમાં અડધાં ડુબેલાં રહીને જવું પડે છે.
આ સ્થળ વિષે વિશેષ કશું જાણવા મળતું નથી. માત્ર એટલું જ કે અહી સાત ઋષિઓએ તપશ્ચર્યા કરી હતી. આપણા ધર્મગ્રંથો ઉપરથી જાણવા મળે છે કે આ સાત ઋષીઓ તો કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ, અને ગૌતમ હતા. આ ઋષિઓ મહાભારત અને પુરાણોની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલા છે. કેટલાય વર્ષોથી લોકો આ વાત જાણીને અહી સપ્તર્ષિ શિવલિંગ ના દર્શનાર્થે આવતા રહે છે અને પૂજા કરીને પોતાને ધન્ય માને છે. સાત મહર્ષિઓ ની આ તપોભૂમિ સપ્તનાથ (સપ્તેશ્વર) તીર્થના દર્શને દરરોજ અનેક યાત્રાળુઓ આવે છે. શ્રાવણ માસમાં અને અમાસેએ મેળા જેવું વાતાવરણ સર્જાય છે. શ્રાવણના છેલ્લા સોમવારે સપ્તેશ્વર મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે જ્યાં શ્રધ્ધાળુઓ દ્વારા પૂજાઅર્ચના કરવામાં આવે છે.
અહી રમણીયતા ચોમેર ચવાયેલી છે વધુમાં રાધા-કૃષ્ણનું કાચનું મંદિર, ધર્મશાળા, ઘરડાં ઘર, હોટલ અને રસોડાની સગવડ છે. તેથી આ સ્થળનાં ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટક મહત્વ પણ ઘણં છે. તીર્થથી બિલકુલ નજીક બનેલા બે જિલ્લાઓને જોડતા નવા પુલને કારણે આ સ્થળ વધુ સુગમ બન્યું છે. વર્ષ દરમિયાન અમદાવાદ અને આસપાસનાં વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઇને આવે છે. આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દેવ દર્શન અને સાથે સાથે પ્રવાસની મજા માણવા આવે છે.
મહાભારતના આદિ પર્વમાં જોવામાં આવે છે કે આ સપ્તઋષિઓ (સપ્તર્ષિઓ) પાંડવ વીર અર્જુનના જન્મ સમયે ઉપસ્થિત હતા ત્યારબાદ મહાભારતના યુદ્ધ વખતે પુનઃ આ સાતેય ઋષિઓએ ભેગા મળીને મહાભારતનું યુદ્ધ બંધ રખાવવા કૌરવ સેનાપતિ દ્રોણાચાર્યને વિનંતી કરી હતી. તે સિવાય અનુસાશન પર્વમાં એ પણ જોવામાં આવે છે કે સપ્તર્ષિઓ મહારથી ભીષ્મની મૃત્યુ શય્યા પાસે હાજર હતા. અનુસાશન પર્વમાં લખેલું છે કે જયારે રાજા વ્રષધરણીએ યજ્ઞથી કૃત્યા નામે એક રાક્ષસણી પેદા કરી હતી. તેને સપ્તર્ષિઓએ પોતે પોતાની ઓળખાણ આપીને તેનાથી છૂટકારો મેળવ્યો હતો. આ ઋષિઓ પર ખોટી રીતે મુસાલની ચોરીનો અને અગત્સ્ય ઋષિની ચોરીનો પણ આક્ષેપ મુકવામાં આવ્યો હતો એ વાત ખૂબ જ રસપ્રદ છે. વળી આ ઋષિઓ ઈન્દ્રની બધી જ સભાઓ સાથે સંકળાયેલા વાતાવરણમાં આવ્યા છે. આ બધા ઉત્તર દિશાના ઋષિઓ છે તે ઉપરથી એવી ધારણા થાય છે કે આ સાત ઋષિઓનો સંબંધ આકાશમાં આવેલ સપ્તર્ષિ તારામંડળ સાથે તો નથીને? અહી શ્રી સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના મંદિરમાં ખરેખર આ સાતેય શિવલીંગો જુદા જુદા એવી રીતે ગોઠવાયેલા છે કે જાણે આકાશમાં સપ્તર્ષિ જ જોઈ લો. એ પણ શક્ય છે કે જે યુગમાં આ ઋષિઓ અહી પૂજા કરતા હતા તે યુગ માં સપ્તર્ષિ તારની જે સ્થિતિમાં જ શિવલીંગો ની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય. જો આ ધારણા સાચી હોય તો સપ્તનાથ (સપ્તેશ્વર) મહાદેવના જુદાં જુદાં લિંગો ના સ્થળ તથા અભ્યાસ ઉપરથી એનો ચોક્કસ સમય કાઢવા માં કોઈ મુશ્કેલી રહેશે નહિ. Settlement commissioner કૃષ્ણચંદ્ર સગરનું એમ માનવું છે કે આ માત્ર યોગાનુયોગ ન જ હોય. આ સ્થળ જ એવું છે કે પ્રાચીન સમયની અનેક ઘટનાઓ સાથે તેનો સંબંધ હોવો જોઈએ. તેમનું એમ મંતવ્ય છે કે આ સાતે ઋષિઓનો સમય ઈ.સ. પૂર્વે પંદરમી સદીનો હતો. એટલે કે આજથી લગભગ ૩૪૦૦ વર્ષ પૂર્વે આ સપ્ત ઋષિઓએ ભેગા મળીને તપશ્ચર્યા કરી હોવી જોઈએ.
બે નદીઓના સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પૂરતા આ શ્રી સપ્ત શિવલિંગ મહાતીર્થના દર્શને અવશ્ય જવા જેવું છે. આ મહાતીર્થની આજુબાજુનું સૃષ્ટિ સૌંદર્ય એવું છે કે ભગવાન આશુતોષનું ધ્યાન તરતજ લાગી જાય. આ મહાતીર્થની યાત્રાએ આવનારને શાંતિનો અનુભવ અચૂક થતો રહે છે.
સપ્તેશ્વર વિશે 'રવિ' ઉપાધ્યાયનું ઉર્મિગીત
સપ્તનાથના પવિત્ર ધામે જામ્યો કેવો અદભૂત રંગ !
નદી કિનારે મહેરામણ - એ કેવો અલૌકિક સંગ !
શિવલિંગ પર અખંડ અનાદિ,વહે શીતલ જળધારા
સાબરની કોતરની ભૂમિ, સોહે બની રસક્યારા !
પુરાણોની ધર્મભૂમિ આ,આજે કર્મભૂમિ બનતી,
માનવ મનના મનોરથની મંજરીઓ મ્હોરી ઉઠતી
તપો ભૂમિના પુણ્ય પ્રતાપે કળિયુગ પણ દૂર ભાગે
સાબર-ઘેઘૂર, પંખી કલરવ,સ્વર્ગ સમું સુંદર ભાસે.
સત્ય, શીલ સંયમનાં સત્વો યુગયુગ પ્રસ્થાપિત થયાં
વેદમંત્ર, રૂદ્રિ, મહિમ્ન સૌ સ્ત્રોત બની અસ્ખલિત વહ્યાં
જટાજૂટ પર સાબરગંગા શિવજીએ અવિરત ઝીલી
જનકલ્યાણનાં અમી રેલતી, રસ વાટિકા અહીં બની !
એવી મહાભૂમિ તીરે બ્રહ્મબાળ ભેગાં થાતાં
મન મનના સુમેળ થતાંને, દિલડાં સહુનાં હરખાતાં
જ્ઞાતિ સંસ્થા, બ્રહ્મ- જ્ઞાનની કરતી વર્ષોથી લ્હાણી
આ શુભ દિને માંગલ્યોની થાતી અહીં ઉજાણી-
સંસ્થાનો ઇતિહાસ છે ઉજ્વલ, ગૌરવવંતી છે ગાથા
ભૂતકાળનું ભવ્ય છે ભાથું, ભવિષ્યને જે દે વાચા
વિદ્યા દ્વારા બ્રહ્મતેજને દિશ દિશમાં ફેલાવ્યું
જ્ઞાન-દીપથી તિમિર ટળ્યું, સંસ્કાર – અમી રેલાયું
સપ્તેશ્વરના સુભક્તો, ને મહાસપૂતો સાબરના
કષ્ટ વેઠી સંસ્થા સ્થાપી, પહોંચ્યા જઇ તટ સાગરના
રોષ, દોષ, કે ક્લેશ દ્વેષ ના હૈયે કદી લવલેશ હતા
"સેવાધર્મો પરમગહનો -- મહામંત્ર અનિમેષ હતાં
સંસ્કારોનું બી મ્હોર્યું ને - ઘટાદાર વટવૃક્ષ બન્યું.
જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીનું માતપિતા શિર છત્ર બન્યું.
વિદ્યાજ્ઞાન થકી દિક્ષીત થૈ જીવનજંગે ઝૂકાવ્યું
એક એકથી ચડિયાતા થૈ સંસ્થા નામ દીપાવ્યું.
એવાં ફાલ સંસ્થાએ ફળાવ્યાં, વડીલોએ બી બોયાં’તા
વિદ્યાદાન કાજે તનમનધન નિ:સ્વાર્થ ભાવે પ્રોયાં‘તાં.
વડીલોનીએ શુભાશિષને આપણ સહું સફળ કરીએ
જ્ઞાન કમલની ઇષ્ટ પરાગે ભેળાં મળી પમરીએ.
કોઇ રહેના એવાં પ્રશ્નો ઉકેલ જેનો જડે નહીં
મનનાં દ્વાર મૂકો સૌ ખુલ્લાં રૂકાવટ કોઇ નડે નહીં.
પંથપંથના ભેદના રાખો,ઐક્ય સમાન મહાસુખ ના
હૈયે હૈયે પ્રગટો દીપક સુપૂત સહું સાબરકૂખના .
શ્રધ્ધાના શુભ સંકલ્પોથી આજે સુદ્રુઢ બનીએ-
વિશ્વાસોના અભિષેકથી સપ્તેશ્વર રીઝવીએ –
મન, હ્રદયથીપુલકિત બનીએ, ૐ નમ: શિવાય ઉચ્ચરીયે..
કવિ : રવિ ઉપાધ્યાય, ‘ રવિ’, (28/5/1982, સપ્તેશ્વર ધામે જ્ઞાતિજનો માટે યોજાયેલ “વિચારવિનિમય શીબીર”માં સહભાગી થવાં જતાં ગુજરાત મેલટ્રેનમાં, રાત્રે 2.00)
માહિતીસ્રોતઃ
- શ્રી સપ્તેશ્વર મહાદેવ અને તપોભૂમિ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત માહિતીપત્ર: વધુ માહિતી માટે "શ્રી સપ્તેશ્વર મહાદેવ અને તપોભૂમિ સાર્વજનિક ટ્રસ્ટ" ના હરિભાઈ પુરોહિત (મોબાઈલ) +91-99254-82119 (ઘર-દાવડ) +91-2778-277360 નો સંપર્ક કરવો.
- wikipedia નો પરિચયલેખ
- દિવ્યભાસ્કર નો પરિચયલેખ
- સાબરકાંઠા જિલ્લાની અધિકૃત website પરની માહિતી
- ઇડર તાલુકાની અધિકૃત website પરની માહિતી
- કવિ રવિ ઉપાધ્યાયની કવિતા